ઘટના@અમરેલી: ધોળા દિવસે દીપડાએ 8 વર્ષના બાળકને ફાડી ખાધો, ગામમાં શોક અને ભયનો માહોલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. સણોસરા ગામની સીમમાં દીપડાના હુમલાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. કપાસના ખેતરમાં પરિવાર સાથે હાજર 8 વર્ષના બાળકને દીપડો અચાનક ઉઠાવી ગયો હતો. આ હુમલામાં બાળકનું મોત નીપજતા ગામમાં શોક અને ભયનો માહોલ છવાયો હતો. નોંધનીય છે કે એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે.અમરેલી તાલુકાના સણોસરા ગામે સીમમાં 8 વર્ષનો બાળક પરિવાર સાથે ખેતરમાં હતો.
આ દરમિયાન અચાનક જ દીપડો ત્યાં આવી ચડ્યો અને પરિવારની નજર સામે જ બાળકને ઉઠાવીને નજીકના વિસ્તારમાં લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા બાળકને બચાવવા પ્રયાસો કરાયા હતા, પરંતુ દીપડાના હુમલામાં બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દીપડાના હુમલાની ગંભીરતના ધ્યાને રાખી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં 7 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
સણોસરા ગામની સીમમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. દીપડો પાંજરે પુરાય નહીં ત્યાં સુધી વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બાળકોને એકલા ન મુકવા અપીલ કરવામાં આવી છે.

