ઘટના@બનાસકાંઠા: અંબાજી-આબુરોડ માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અંબાજી-આબુરોડ માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર સર્જાઈ હતી. અંબાજી તરફ આવી રહેલી એક રિક્ષા અને રાજસ્થાન તરફ જઈ રહેલી એટિકા કાર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હચમચી ગયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, રિક્ષામાં સવાર અંબાજીના સ્થાનિક રહેવાસી હર્ષ ગોસ્વામીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક મોકો જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતક હર્ષ ગોસ્વામીના મૃતદેહને પેાસ્ટ મોર્ટમ અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થિતિનો તાગ મેળવીને ટ્રાફિક વ્યવસ્થિત કરાવ્યો હતો અને ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

