ઘટના@મહેસાણા: નર્મદા કેનાલમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાના નાની કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 2 યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કેનાલ પાસેથી પસાર થઈ રહેલા રાહદારીઓની નજર મૃતદેહો પર પડતાં ઘટનાની જાણ થઈ હતી. જોકે આ બંને યુવતીઓના હાથ બાંધેલા હોવાનો દાવો કરાયો છે.
બે યુવતીઓના મૃતદેહ કેનાલમાં જોવા મળતાં આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ સહિતની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બંને યુવતીઓના હાથ બાંધેલી હાલતમાં હતા. આ અંગે પોલીસ કે અન્ય સત્તાવાર તંત્ર તરફથી હાલ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી યુવતીઓના મોતને લઈને કોઈ ચોક્કસ તારણ પર પહોંચવું હાલ વહેલું છે. પોલીસ દ્વારા બંને મૃતદેહોની ઓળખ સહિતની વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતીઓ કેનાલમાં કેવી રીતે પહોંચી અને સમગ્ર ઘટનાના સંજોગો શું હતા તે અંગે તપાસ બાદ જ વધુ હકીકતો સામે આવશે.

