દુર્ઘટના@પંચમહાલ: ટેન્કરચાલકે ટ્રક, પદયાત્રીઓ અને દુકાનને અડફેટે લીધી, પિતા-પુત્રીનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે પર આવેલા ઝબાન ગામના મલબાર પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, રસ્તા પરના વાહનો તથા પદયાત્રીઓને અડફેટે લઈ ટેન્કર રોડ કિનારે આવેલી દુકાનમાં ઘૂસી ગયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દુકાન ચલાવતા પિતા અને તેની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સમયે જાંબુઘોડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ પાવાગઢથી દર્શન કરીને મધ્ય પ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પદયાત્રીઓની કાર તથા રસ્તા પર ચાલી રહેલા લોકોને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતાં અનિયંત્રિત ટેન્કર માર્ગ કિનારે આવેલી દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું.
આ અકસ્માતમાં દુકાનમાં હાજર દીપસંગ રાઠવા અને તેની માસૂમ પુત્રી દેવાંશીનું કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકના પત્નીનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતમાં મધ્ય પ્રદેશના 9 જેટલા પદયાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર હાલત ધરાવતા 6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જાંબુઘોડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રોડ પરનો ટ્રાફિક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

