ઘટના@પંચમહાલ: મુસાફરોથી ભરેલી ST બસમાં આગ લાગતા દોડધામ, ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે

 
Bus
25 મુસાફરોનો આબાદ બચાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલ જિલ્લાના કાલોલ બસ સ્ટેન્ડ પર ઉભેલી એક એસ.ટી.બસમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. 25 જેટલા મુસાફરોથી ભરેલી આ બસમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થતાં જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.એસ.ટી. બસના વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને પારખીને બસના ડ્રાઇવરે

તાત્કાલિક સમયસૂચકતા વાપરી હતી. તેમણે બસમાં રહેલા ફાયર એક્સ્ટિંગ્વિશર વડે જાતે જ આગ પર કાબૂ મેળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો, જેના કારણે આગ વધુ પ્રસરતી અટકી ગઈ હતી.આગના બનાવની જાણ થતાં જ કાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ડ્રાઇવરની સજાગતા અને તંત્રની ઝડપી કામગીરીના કારણે બસમાં સવાર તમામ 25 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.