ઘટના@સુરત: સિંગણપોર વિસ્તારમાં ઓનલાઈન પ્રોડક્ટ્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાંથી આગની એક અત્યંત મોટી ઘટના સામે આવી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા એક ઓનલાઈન પ્રોડક્ટ્સના મોટા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ગોડાઉનમાં જ્વલનશીલ સામગ્રી અને ઓનલાઈન પ્રોડક્ટ્સનો જથ્થો હોવાને કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડી રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
હાલમાં ફાયર વિભાગની ૮ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે હાજર રહીને ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી રહી છે. આગ વધુ ફેલાતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.

