ઘટના@વડોદરા: વિધિ કરવા આવેલા 5 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, તરવૈયાઓ દ્વારા દિલધડક રેસ્ક્યુ

 
Ghatna
ત્રિવેણી સંગમ પાસે ઊંડા પાણીમાં નહાવા જતા ઘટના બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા જિલ્લાના યાત્રાધામ ચાણોદ ખાતે આજે સવારે નદીમાં નાહવા જતા ડૂબી ગયેલા પાંચ જણાનું સ્થાનિક તરવૈયાઓ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના ચાણોદ ખાતે નર્મદા ઓરસંગ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ હોવાથી ત્યાં મૃતકો તેમજ પિતૃઓની વિધિનું વિશેષ મહત્વ હોય છે. જેને કારણે અનેક રાજ્યોમાંથી લોકો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘાટ બનાવી સવલતો ઉભી કરવામાં આવી છે આમ છતાં કેટલાક લોકો બેદરકારીને કારણે જીવ જોખમમાં મૂકતા હોય છે. આજે સવારે આવી જ રીતે ઊંડા પાણીમાં નાહવા જતા પાંચ જણા ડૂબવા માંડતા સ્થાનિક નાવડીવાળાઓએ જાનની બાજી લગાવી તમામને બચાવી લીધા હતા.

તરવૈયાઓની રેસક્યુ કામગીરીનું વિડીયો પણ વાયરલ થયો હતો. પોલીસ પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી રહી છે. ચાંદોદના સરપંચ દીપ્તિબેન સોનીએ કહ્યું હતું કે સ્થાનિક તરવૈયાઓ અને નાવડીવાળા ખૂબ જ સતર્ક રહેતા હોય છે અને તેને કારણે ઘણા લોકોના જીવ બચી શક્યા છે. લોકોને વારંવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં તેઓ જોખમ લેતા હોવાથી આ પ્રકારના બનાવો બનતા હોય છે. જ્યારે ચાણોદના નાવડી એસોસિએશનના પ્રમુજી જીગાભાઈ માછીએ કહ્યું હતું કે લોકોની બેદરકારીને કારણે ડૂબવાના બનાવો બનતા હોય છે