ઘટના@જામનગર: 11 સાયન્સની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં શોકની લાગણી

 
ઘટના
વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જામનગર જિલ્લાના ધ્રોલ સ્થિત જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં શિક્ષણ જગત અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બનાવને પગલે ધ્રોલ પોલીસએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે વિદ્યાર્થિનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માગ ઉઠાવી છે.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રહેવાસી અને ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ હાથિયા ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી હતી. શનિવારે જ હિરલને તેના વાલીઓ હોસ્ટેલમાં મૂકી ગયા હતા. પરંતુ થોડા જ સમયમાં આ દુ:ખદ ઘટના બનતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

હિરલે હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.હાલ સુધી વિદ્યાર્થિનીએ આ પગલું કયા કારણસર ભર્યું તે અંગે સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. ઘટનાના રહસ્યને ઉકેલવા ધ્રોલ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. બીજી તરફ વિદ્યાર્થિનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે, જેથી સમગ્ર મામલાની સચ્ચાઈ સામે આવી શકે. આ બનાવે શિક્ષણ જગતમાં પણ ચિંતાનો માહોલ સર્જ્યો છે. સહપાઠીઓ અને શિક્ષકો માટે પણ આ ઘટના અત્યંત દુઃખદ બની છે.આવી દુઃખદ ઘટનાઓ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે.