ઘટના@જામનગર: આકાશી આફત વચ્ચે વીજ કરંટનો કહેર, શ્રમિક માતા અને દોઢ વર્ષના પુત્રનું મોત

 
ઘટના

સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામે વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની માતા અને તેના માત્ર દોઢ વર્ષના માસૂમ પુત્રનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. એક સાથે માતા-પુત્રના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવાર સાથે આ દુર્ઘટના ઘટી હતી.

શ્રમિક માતા દોઢ વર્ષના દીકરા સાથે વાડી વિસ્તારમાં હાજર હતા. ચોમાસાના ભેજવાળા વાતાવરણ વચ્ચે વાડીમાં કોઈ કારણોસર લાઈવ વીજ વાયરમાંથી કરંટ ઉતરી આવ્યો હતો. કમનસીબે આ જીવલેણ વીજ પ્રવાહની ઝપેટમાં માતા-પુત્ર આવી ગયા હતા અને તેમનું મોત થયું હતુ. આ ઘટનાની જાણ આસપાસના અન્ય શ્રમિકો અને વાડી માલિકને થતાં જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. બેભાન અને ગંભીર હાલતમાં માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે નજીક આવેલા ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલના ફરજ પરના તબીબોએ બંનેને તપાસીને તબીબી રીતે મૃત જાહેર કર્યા હતા.