ઘટના@જૂનાગઢ: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ભૂલથી વન કર્મચારીને વાગ્યું, સારવાર દરમિયાન મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વન વિભાગની ટીમ એક માસૂમ બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા માટે ગઈ હતી. આ દરમિયાન સિંહણને બેભાન કરવાની ટ્રાંક્વીલાઈઝર ગનમાં ભરેલું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગની ટીમ પૈકીના એક કર્મચારી અશરફ ચૌહાણને વાગી જતાં તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં સારવાર દરમિયાન અશરફ ચૌહાણ નામના ટ્રેકરનું મોત નીપજ્યું છે. આ સમાચાર બાદ પરિવારના માથે દુઃખનો પહાડ ઉમટી પડ્યો છે. વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં રવિવારે સવારે સિંહણે કરેલા ઘાતક હુમલામાં પરપ્રાંતીય મજૂરના બાળકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી.
રવિવારે સવારે ખેત મજૂર પરિવાર ખેતરમાં હતો ત્યારે અચાનક સિંહણે બાળક પર હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં વિસાવદર રેફરલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સિંહણના હુમલા બાદ વન વિભાગે સિંહણને પકડવા કામગીરી શરૂ કરી હતી.વન વિભાગની ટીમે પરિવાર પાસેથી પ્રાથમિક માહિતી મેળવી બાળકની ભાળ મેળવવા વાડી વિસ્તાર અને આસપાસની ઝાડીઓમાં શોધખોળ શરૂ હતી. જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું હતું. બાળકના શરીર પર ઊંડા ઘા હતા. વન વિભાગના કર્મચારીઓ તપાસ કરતાં તે સિંહણનો હુમલો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બાળકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
સિંહણના શિકાર બાદ વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે હુમલાખોર સિંહણને તુવેરના ખેતરમાં ટ્રેસ કરી હતી. સિંહણને પકડી પાડવા માટે બેભાન કરવાની ટ્રાંક્વીલાઈઝર ગનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ ગનનું ઇન્જેક્શન સિંહણને નહીં પણ ભૂલથી વન કર્મચારીને વાગી ગયું હતું. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી વનકર્મીને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

