ઘટના@જૂનાગઢ: માંગરોળમાં બ્રિજ તૂટી પડતા હીટાચી મશીન અને આઠથી વધુ લોકો નદીમાં ખાબક્યા

 
ઘટના
સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આજે સવારે જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડતા 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા. જેમનું રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે એક મોટી દુર્ઘટના બની હતી.આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા એક પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક હીટાચી મશીન અને તેમાં સવાર આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના કેવી રીતે બની અને તેના ચોક્કસ કારણો શું હતા તે અંગેની તપાસ ચાલી રહી છે.આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો એક મહત્વનો માર્ગ છે, જ્યાં રોજના અનેક વાહનો પસાર થાય છે. આજે સવારે આ પુલ પર સમારકામની કામગીરી ચાલી રહી હતી. હીટાચી મશીન વડે કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થયો હતો. ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.