ઘટના@ખેડા: રાઈસ મિલના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડામાં અંબિકા કોમ્પલેક્ષની સામે આવેલી રાઈસ મિલના પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અને જોતજોતા માં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ અસ્પષ્ટ છે પણ શોર્ટ સર્કિટની આશંકા સેવાઈ રહી છે. આગ એટલી વિકરાળ હતી કે આગ માંથી ઉઠતા ધુમાડાના ગોટાળા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને જહનશીલ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ભરબજાર વિસ્તારમાં આવેલો હોવાથી એક ક્ષણે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. અનેક લોકો પોતાની દુકાનો અને ઘર છોડીને બહાર નીકળી આવ્યા હતા. આગ લાગી હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષા જોગવાઈઓ વધારવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને પણ રવાના કરવામાં આવી છે.
હાલ ફાયર ફાઈટર ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. પ્રાથમિક અંદાજે આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ તકેદારીમાં રહેલી ખામીનાં કારણે આ આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી પરંતુ ગોડાઉનને ભારે નુકસાન થવાની આશંકા છે.