ઘટના@ખેડા: મેશ્વો નદીમાં ડૂબતા છ બાળકોના મોત, ગામમાં શોકનો માહોલ

 
ઘટના
કાળજુ કંપાવનારી આ ઘટનાને લઈ પરિવારની સાથે ગામમાં ભારે ગમગીની ફેલાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડા જિલ્લાના કનીજ ગામમાં કાળજું કંપાવનારી ઘટના બની હતી. મેશ્વો નદીમાં ડૂબતા છ બાળકોના મોત થયા હતા. અમદાવાદના નરોડાના બાળકો મામાના ઘરે વેકેશનમાં આવ્યા હતા. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે અમદાવાદથી વેકેશન કરવા આવેલા ચાર ભાણેજો સહિત છ બાળકોના મેશ્વો નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયા હતા.

અમદાવાદ નરોડામાં રહેતા ચાર ભાણેજો મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે મામાના ઘરે વેકેશન માટે આવ્યા હતા પરંતુ વેકેશનનો આનંદ માણવાની જગ્યાએ તેમને મોત મળ્યું હતું. ગરમીના કારણે પરેશાન બાળકો કનીજ ગામમાંથી પસાર થતી મેશ્વો નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં નરોડાના ચાર બાળકો અને કનીજ ગામના બે બાળકોનું નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું હતું. કનીજ ગામમાંથી પસાર થતી મેશ્વો નદીમાં નવ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાં છ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા આ ઘટના બુધવારની સાંજે સાડા છ વાગ્યે બની હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની સાથે સાથે ફાયરની ટીમ દ્વારા ત્રણ કલાકની મહેનત બાદ પાણીમાં ગરકાવ થયેલા છ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા અને મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાળજુ કંપાવનારી આ ઘટનાને લઈ પરિવારની સાથે સાથે કનીજ ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી. વહેલી સવારે આ છ મૃતદેહના પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ તેમના મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.