ઘટના@મહેસાણા: સંચાલકોની બેદરકારીએ લીધો વિદ્યાર્થીનો જીવ, સ્કૂલમાં કરંટ લાગતા બાળકનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાના વિજાપુરમાં એક ભયંકર ઘટના સામે આવી છે. જેમાં શાળાની બેદરકારીને કારણે એક 9મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકનું કરુણ મોત નિપજ્યું છે. વિજાપુરમાં આવેલ સેન્ટ જોસેફ શાળામાં અભ્યાસ કરતા બાળક આર્યરાજસિંહ સિસોદિયાનું મોત નિપજ્યું છે. શાળામાં કુલ 3 બાળકોને અને 2 કારીગરોને કરંટ લાગ્યો હતો જેમાં એક બાળકનું કરુણ મોત નિપજ્યું છે. શાળામાં ગરબાના આયોજનને લઈને બાળકો અને કારીગરો સિરીઝ લગાવી રહ્યા હતા. જે દરમિયાન આ ઘટના બની. હાલ ઘાયલ થયેલા બાળકોને ઉમિયા સર્જિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે શાળા સંચાલકોએ ચાલુ પાવરે વિદ્યાર્થીઓ પાસે વાયરિંગનું કામ કરાવ્યું. સાથે જ વાલીઓએ આક્ષેપ લગાવ્યો કે લાઈટિંગના કામ માટે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો ન હતો. જેના કારણે બાળકે જીવ ગુમાવ્યો. શાળાની ગંભીર બેદરકારીને કારણે પરિવારે પોતાના દિકરાને ગુમાવ્યો છે. જેના કારણે પરિવારના પગ નીચેથી હાલ જમીન સરકી ગઈ હોય તેવી હાલત થઈ ગઈ છે.
આ મુદ્દે સવાલ તો એ થાય છે કે, શું શાળામાં લાઈટીંગની જવાબદારી શું બાળકોની હોય છે. શાળા દ્વારા શા માટે લાઈટીંગનો કોન્ટ્રાક્ટ કોઈને આપવામાં ન આવ્યો. આજે શાળાની આ ગંભીર બેદરકારીને કારણે એક 9માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકે જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.