બનાવ@મોરબી: અજાણ્યા પુરૂષનો મૃતદેહ વેરવિખેર અને વિકૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

માથુ મૃતદેહથી 20 ફૂટ દૂરથી મળ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીના હળવદમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ વેરવિખેર અને વિકૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. હત્યારાઓએ શરીરના ટૂકડે ટૂકડા કરી ફેંકી દેતા અરેરાટી મચી ગઈ છે. તેમજ ધડથી માથુ અલગ કરી મૃતદેહથી 20 ફૂટ દૂર ફેંકી દીધેલાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.હળવદમાં રાતકડી હનુમાનજી જવાના રોડ ઉપર મેલડી માતાના મંદિર સામે આવેલા એક ખેતરમાં આ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.
સ્થાનિકો દ્વારા આ અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતદેહનું માથું કપાયેલી હાલતમાં છે અને મૃતદેહથી લગભગ 20 ફૂટ દૂર કપાયેલો એક હાથ પણ પડ્યો હતો. મૃતદેહની આ ગંભીર સ્થિતિ જોતા આ બનાવ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ હળવદ પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે. આ બનાવ પાછળનું કારણ શું છે, તે અંગત અદાવતનું પરિણામ છે કે અન્ય કોઈ, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.