બનાવ@ઊંઝા: ગંજબજારની વિવિધ પેઢીઓ સાથે કરોડોની ઠગાઈ, જીરૂં ખરીદી નાણાં નહિ આપ્યાની ફરિયાદ

 
ઊંઝા

વેપારી સાથે 14.23 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી

અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ઊંઝાના ગંજબજારમાં આવેલી વિવિધ પેઢીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જીરાની ખરીદી કરીને તેમને રૂપિયા ચૂકવવામાં ન આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગંજબજારમાં વિવિધ પેઢીઓ આવેલી છે જે જીરાનો વેપાર કરે છે. આ પેઢીઓમાંથી જીરાના દલાલો અને રાજકોટના વેપારીઓ સાથે મળીને ખરીદી કર્યા બાદ 14,23,96,469 રૂપિયા ચૂકવવામાં આવ્યા ન હતા. જેના કારણે રાજકોટના દલાલો અને વેપારીઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.

 

ઊંઝાના અમિત પટેલ ગંજબજારમાં અમીતકુમાર નામની પેઢી ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઊંઝા ગંજબજારની અન્ય પેઢીઓ એબી એન્ટરપ્રાઈઝ, અંબાલાલ લલ્લુદાસ પટેલ, રતિલાલ અંબાલાલ પટેલ, અંબામણી એન્ડ સન્સ સહિતની વેપારી પેઢીઓમાં ભાગીદારી ધરાવે છે. રાજકોટના દલાલો અને વેપારીઓ દ્વારા જીરૂની ખરીદી કરવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજકોટની સોમનાથ ટ્રેડિંગ કંપનીના માલિક હેમંતભાઈ મોહનભાઈ દાવડા માટે કુલ 6.81 કરોડ રૂપિયાના જીરુની ખરીદી કરી હતી. તેમણે સોમનાથ ટ્રેડિંગ કંપની માટે ડિલિવરી કરી હતી. તેના માટે 3.46 કરોડ રૂપિયા RTGS દ્વારા તેમણે ચૂકવ્યા હતા અને 3.34 કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની બાકી હતી.

 

આ ઉપરાંત 2023-24ના વર્ષમાં એબી એન્ટરપ્રાઈઝમાંથી હાર્દિક વિઠલાણીએ સોમનાથ ટ્રેડિંગ કંપની માટે 2.75 કરોડ રૂપિયાનું જીરુ ખરીદ્યું હતું. તેમાંથી 2.52 કરોડ રૂપિયા સોમનાથ ટ્રેડિંગ કંપનીએ RTGS દ્વારા ચૂકવ્યા હતા. જોકે, 23 લાખ રૂપિયા લેવાના બાકી નીકળે છે. આ સિવાય હાર્દિક વિઠલાણીએ રાજકોટની સોમાનથ ટ્રેડિંગ કંપની માટે રતિલાલ અંબાલાલ પટેલ પેઢીમાંથી એમઓયુ દ્વારા 1.75 કરોડ રૂપિયાનું જીરુ ખરીદ્યું હતું પરંતુ તેનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. ત્યારબાદ અન્ય એક પેઢી અંબામણી એન્ડ સન્સમાંથી પણ હાર્દિક વિઠલાણીએ સોમનાથ ટ્રેડિંગ કંપની માટે એમઓયુ કોન્ટ્રાક્ટ દ્વારા 3.88 કરોડ રૂપિયાનું જીરું ખરીદ્યું હતું.

જે પૈકી 1.08 કરોડનું પેમેન્ટ RTGS દ્વારા કરવામાં આવ્યું હતું અને 2.80 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. રાજકોટના બ્રોકર રાધે એગ્રી ટ્રેડના માલિક તથા બ્રોકર અરવિંદ ગોડદરાએ રાધે ઓવરસીસ ફર્મ માટે એમઓયુ કોન્ટ્રાક્ટ દ્વારા 18.04 કરોડ રૂપિયાની કિંમતનું જીરું ખરીદ્યું હતું. આ આ માટે 13.53 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી પરંતુ 4.50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ ઊંઝાના વેપારી સાથે 14.23 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે અને તે માટેની ફરિયાદ નોંધવામાં આવી છે.