ઘટના@પંચમહાલ: ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી, 5 વ્યક્તિઓનો આબાદ બચાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લામાં શહેરા-ગોધરા હાઇવે પર ગમખ્વાર ઘટના બની હતી, જેમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી.કારમાં સવાર પાંચ વ્યક્તિઓની સમયસૂચકતાના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટના શહેરાની વાઘજીપુર ચોકડી નજીક બની હતી. એક કાર મોડાસા તરફથી હાલોલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન અગમ્ય કારણોસર કારના એન્જિનમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
કારમાં આગ લાગવાની જાણ થતાં જ કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓએ તુરંત જ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી જ વારમાં આગે સંપૂર્ણ કારને લપેટમાં લઈ લીધી હતી અને આખેઆખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.કારમાં સવાર તમામ વ્યક્તિઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, પરંતુ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પ્રાથમિક તબક્કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.