ઘટના@પંચમહાલ: વેજલપુર નજીક ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલના કાલોલમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વેજલપુર નજીક બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી. વેજલપુર પાસેનો અકસ્માત એટલો ગંભીર હતો કે પિતા-પુત્રનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. પિતા-પુત્રના મોતના સમાચારને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પરિવાર ગોધરા ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. દરમિયાન કાલોલના વેજલપુર પાસેના માર્ગ પરથી પસાર થતા અચાનક બાઈક સવારે બેલેન્સ ગુમાવ્યું. બાઈક ચાલકે બેલેન્સ ગુમાવતા સવાર ત્રણેય લોકો નીચે માર્ગ પર પટકાયા. બાઈક ચાલક અને અન્ય એક શખ્સ માર્ગ પર ટ્રાફિકના પિલ્લર સાથે અથડાયા. અકસ્માતમાં નીચે પટકાતા ઘટનાસ્થળ પર જ બે લોકોના મોત થયા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી છે. વેજલપુર અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ. લોકોએ અકસ્માતને લઈને પોલીસને જાણ કરી.ગંભીર અકસ્માતની સ્થાનિકો દ્વારા જાણ કરાતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પંહોચી.
પોલીસે અકસ્માતની પ્રાથમિક તપાસ કરતા જોયું કે માર્ગ પર ટ્રાફિકનો જે પિલ્લર છે તેના પર લોહીના નિશાન પણ જોયા. પોલીસનુ અનુમાન છે કે આ પિલ્લર સાથે અથડાતા બે શખ્સના માથા પર ગંભીર ઇજા થઈ હશે અને તેના બાદ બંને માર્ગ બાજુના ખાડામાં પડ્યા હોઈ શકે. વધુમાં પોલીસને જાણવા મળ્યું કે અકસ્માતનો જે લોકો ભોગ બન્યા તેઓ ગોધરા લગ્ન પ્રસંગમાં જતા હતા.દરમિયાન વેજલપુર પાસેથી પસાર થતા એક જ પરિવારના બે લોકો કાળનો કોળિયો બન્યા. પોલીસે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. અને અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા.