ઘટના@પાટણ: વડાવલીમાં 4 બાળક સહિત 5 ડૂબ્યાં, એકને બચાવવા જતાં અન્યના પણ ડૂબી જવાથી મોત

 
દુર્ઘટના
ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 2 બાળકો અને તેમની માતાનું પણ મોત નીપજ્યું હતું. આ એક સાથે પાંચ જણના ડૂબવાની ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા.

ગામલોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. વડાવલીના તલાટી પરમારે આ ઘટના અંગે વિકાસ અધિકારીને જાણ કરી હતી. દુઃખદ વાત એ છે કે મૃતકોમાં એક જ પરિવારની માતા અને 2 બાળકો તેમજ ગ્રામ પંચાયત પટાવાળાના પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે.તલાટી એ જણાવ્યું હતું કે, સાજે સાડા પાંચ વાગ્યા આસપાસ મુસ્લિમ સમાજના બાળકો વડાવલી ગામ તળાવ પાસે બકરા ચરાવતા હતા, ત્યારે એક બાળક ડૂબતાં બીજા બાળકને બચાવવા જતા તમામ પાંચ લોકોના મોત નીપજ્યા હતા.