ઘટના@પાટણ: પોલીસ કોન્સ્ટેબલની બેફામ કારે રીક્ષાને ટક્કર મારી, 2ના કરૂણ મોત, 4 લોકો ઘાયલ
પોલીસકર્મી દ્વારા અકસ્માત સર્જાતા કાયદાના પાલન અને બેફામ ડ્રાઇવિંગના મુદ્દે ગંભીર સવાલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચાણસ્માના બ્રાહ્મણવાળા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બહુચરાજીના પોલીસ કોન્સ્ટેબલની બેદરકારી સામે આવી છે. કોન્સ્ટેબલ બાબુ ચૌધરી પોતાની કારને બેફામ ગતિએ ચલાવી રહ્યા હતા, જેના કારણે તેમણે રોડ પર જઈ રહેલી એક રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. પોલીસકર્મી દ્વારા જ આ અકસ્માત સર્જવામાં આવતા કાયદાના પાલન અને બેફામ ડ્રાઇવિંગના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. કોન્સ્ટેબલની બેફામ કાર દ્વારા રીક્ષાને ટક્કર મારવાને કારણે આ અકસ્માત ખૂબ જ ભયંકર સાબિત થયો.
આ દુર્ઘટનામાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અને ઘટનાસ્થળ પર ગમગીની છવાઈ ગઈ હતી.આ ગંભીર અકસ્માતની જાણ થતા જ ચાણસ્મા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ વિભાગના કર્મચારી દ્વારા જ આ અકસ્માત સર્જાયો હોવા છતાં, ચાણસ્મા પોલીસે કાયદાનું પાલન કરતા કાર ચાલક કોન્સ્ટેબલ બાબુ ચૌધરી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

