ઘટના@પાટણ: વિદ્યાર્થીનિને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, ક્રૂરતાથી કંટાળીને આપઘાતનો પ્રયાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લાની એક કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર તેના જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. સહપાઠીઓ દ્વારા સતત ચાલતી પજવણી અને ક્રૂરતાથી કંટાળીને વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં મામલો ગરમાયો છે. હાલ વિદ્યાર્થિની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ ઘટનાએ શાળાના સંચાલન અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વિદ્યાર્થિનીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રીને તેના જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓ લાંબા સમયથી હેરાન-પરેશાન કરી રહ્યા હતા. આ પજવણીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું જ્યારે આરોપી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીના શરીર પર બ્લેડથી ચેકા માર્યા અને લાઇટર વડે ડામ પણ આપ્યા. આ શારીરિક અને માનસિક ત્રાસથી વિદ્યાર્થિનીએ ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા પરિવારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં શાળા પ્રશાસન અને શિક્ષકોની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે, જ્યારે તેમણે શાળાના આચાર્ય પાસે ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજની માંગણી કરી, ત્યારે આચાર્યએ પાસવર્ડ ન હોવાનું બહાનું બતાવી ફૂટેજ આપવાનો ઇનકાર કરી દીધો હતો. એક શિક્ષક પર આરોપ છે કે તેણે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને જાણ કરશે તો તેને શાળામાંથી એલ.સી. આપી દેવામાં આવશે.
પરિવારજનોએ આ મામલે ગોલપુર પોલીસ મથકે ત્રણેય આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પિતાએ પોલીસને જણાવ્યું કે તેઓએ અગાઉ પણ શાળામાં પુત્રીની પજવણી અંગે ફરિયાદ કરી હતી. પરંતુ શાળા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકો અને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોએ દોષિત વિદ્યાર્થીઓ તેમજ બેજવાબદાર શિક્ષકો અને શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.