ઘટના@પાટણ: ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનુ શંકાસ્પદ મોત, પરિવારે કર્યા ગંભીર આક્ષેપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધારપુર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. આ શંકાસ્પદ મોતમાં પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, દીકરા સાથે કોલેજમાં રેગિંગ થયું હતુ. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે આ અંગે જણાવ્યુ છે કે, ગઈકાલે રાતે પહેલા વર્ષનો વિદ્યાર્થી કોલેજમાં ઢળી પડ્યો હતો.તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને પોતાનું ઇન્ટ્રોડ્ક્શન આપવાનું કહ્યુ હતુ. જે દરમિયાન આ ઘટના બની છે. આ અંગે બનાવેલી કમિટિ પ્રમાણે અને પોલીસને પણ આ અંગેની વાત કરવામાં આવી છે. તેમના વાલીને પણ માહિતી આપીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ લઈ જવામાં આવ્યો છે.
રેગિંગની ઘટના સાચી હશે તો તેમાં શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. વિદ્યાર્થીના મોતના મામલે પિતરાઈ ભાઈએ જણાવ્યુ છે કે, અમને કોલેજમાંથી પહેલા ફોન આવ્યો કે તમારો દીકરો ઢળી પડ્યો છે અને તેને દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ અમે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે, તેનું મોત નીપજ્યુ છે. એક મહિનાથી જ તે અહીં આવ્યો હતો. આ પહેલા તેણે ક્યારેય રેગિંગ કે કોઈ મુશ્કેલીની વાત કરી ન હતી.