ઘટના@પોરબંદર: દરિયાકાંઠે ચોખા અને ખાંડ ભરેલા વહાણમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોરબંદરના સુભાષનગરમાં આવેલા બંદર પર ચોખા અને ખાંડ ભરેલા વહાણમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ વહાણને સોમાલિયા લઈ જવા તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક વહાણમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ અને પોર્ટ સત્તાવાળાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. વહાણમાં મોટી માત્રામાં ચોખાનો જથ્થો ભરવામાં આવ્યો હતો. આગના કારણે ચોખાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે વહાણના અમુક ભાગો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આગ ફેલાવાની શક્યતાને કારણે વહાણને દરિયાના મધ્ય ભાગમાં દૂર ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાને કારણે વહાણને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આગની શરૂઆત વહાણના એન્જિન રૂમમાંથી થઈ હતી.