ઘટના@પ્રયાગરાજ: મહાકુંભમાં ફરી લાગી આગ, સેક્ટર 18 અને 19 વચ્ચે અનેક પંડાલોમાં આગ

 
ઘટના
મહાકુંભ મેળા દરમિયાન આગની ત્રણ ઘટના બની 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના સેક્ટર 18 અને 19 વચ્ચે અનેક પંડાલોમાં આગ લાગી હોવાનો વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ લાગવાના કારણોની તપાસ શરુ કરી દીધી છે.

આ પહેલા પણ મહાકુંભ મેળા દરમિયાન આગની ત્રણ ઘટના બની હતી. સાતમી ફેબ્રુઆરીના રોજ સેક્ટર-18માં શંકરાચાર્ય માર્ગ પરની એક શિબિરમાં આગ લાગી હતી, જેમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ ન હતી.

9 ફેબ્રુઆરીએ અરેલ તરફના સેક્ટર-23માં રાત્રે આગ લાગી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમે તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસ તપાસમાં ગેસ સિલિન્ડરના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ મહારાજા ભોગ નામની ખાણી-પીણીની દુકાનમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ અનેક પંડાલોમાં ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ મહાકુંભના સેક્ટર-23માં પણ આગની ઘટના બની હતી, જેમાં 15 ટેન્ટ આગમાં ખાક થઈ ગયા હતા. આ પહેલા 19 જાન્યુઆરીએ સેક્ટર-19માં પણ આગ લાગી હતી.