ઘટના@રાજસ્થાન: ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડી, અનેક બાળકો દટાયા હોવાની આશંકા

 
દુર્ઘટના

અનેક બાળકોના મોતની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અનેક બાળકો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. તૂટી ગયેલી છતની નીચે અનેક બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી. વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા. વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે.

શાળાની છત તૂટી પડતા વિસ્તારના લોકો મદદ માટે પહોંચી ગયા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. છત તૂટી પડ્યા પછી કાટમાળ જોઈને એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.રાજસ્થાનની કેટલીય સરકારી સ્કૂલો બિસ્માર હાલતમાં છે. તેને રિપેર કરવાનું વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં તંત્ર તેની સુધ લેતું નથી. છેવટે જે દુર્ઘટના થવાની હતી તે થઈને રહી. હવે તંત્ર તરત થીગડાં મારવા લાગી જશે. તપાસ સમિતિ રચવાના તરકટ રચાશે. દોષનો ગાળિયો કોઈ નાની વ્યક્તિ કે કોન્ટ્રાક્ટરના ગળામાં ભેરવી દઈને આખા કેસનો વીંટો વાળી દેવામાં આવશે. હવે તો વર્ષોથી ચાલતી આ કવાયતમાં તંત્રને પણ જાણે માસ્ટરી આવી ગઈ છે. મૃતકો માટે વળતરનો ભાવ ચાર લાખ રૂપિયા નક્કી કરી દેવાયો છે. હવે આ જાણે વળતરનો ભાવ છે કે મોઢું બંધ રાખવાનો ભાવ તે સમજવું થોડું અઘરું છે.