ઘટના@રાજકોટ: પોલીસ ગ્રાઉન્ડ પરીક્ષામાં નિષ્ફળ જતા 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

 
બનાવ
અંદાજે દોઢ મિનિટથી સમય પૂર્ણ ન કરી શકતાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં PSI અને લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા દરમિયાન એક દુખદ ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટ શહેરની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતી અંજુમ અજીતખાન પઠાણ (ઉંમર 19 વર્ષ)એ પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવ સમયે ઘરમાં હાજર તેના માસીને કોઈ કામથી અંજુમને બોલાવવા જતાં દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. ઘણીવાર દરવાજો ખટખટાવ્યા છતાં પ્રતિસાદ ન મળતાં તેમણે જારીમાંથી અંદર નજર કરતાં અંજુમ લટકતી હાલતમાં જોવા મળી હતી.

પરિવારજનોએ દરવાજો તોડી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.જાણ થતાં જ થોરાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, અંજુમ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી PSI-કોન્સ્ટેબલ ભરતી માટેની શારીરિક કસોટીમાં હાજર રહી હતી. 2 તારીખે યોજાયેલી દોડની પરિક્ષામાં તે અંદાજે દોઢ મિનિટથી સમય પૂર્ણ ન કરી શકતાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. તે હાલમાં પી.જી.વી.સી.એલ.માં કસ્ટમર કેર વિભાગમાં નોકરી કરતી હતી અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. દોડની પરીક્ષામાં નિષ્ફળતા મળતાં તે માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યાના ચોક્કસ કારણ અંગે પરિવારજનો અજાણ હોવાનું જણાય છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.