ઘટના@રાજકોટ: અંધ આધેડે મહાદેવ મંદિરમાં શિવલિંગ સામે બેસીને પોતાનું ગળું કાપી નાંખ્યું
હાલત નાજુક હોવાથી ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં અંધશ્રદ્ધામાં અંત આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગંભીર હાલતમાં આધેડને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની માહિતી મુજબ, ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના આધેડ આજે સવારે પોતાના ઘરેથી નીકળીને ભોજપરા ગામની નૂતન સ્કૂલ નજીક આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.
જ્યાં શિવલિંગની પૂજા કર્યા બાદ આજુબાજુમાં કોઈ ના દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું જ ગળું કાપીને જાત બલી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ કોઈ દર્શનાર્થીએ આધેડને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલા જોઈને બીજા લોકોને જાણ કરી હતી. જે બાદ સૌ પ્રથમ ગોંડલ અને પછી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત નાજુક હોવાથી ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આ બાબતે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી ગોંડલ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં શિવભક્ત ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઈમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરતા હતા.