ઘટના@રાજકોટ: જીવરાજ પાર્કમાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભીષણ આગ લાગતા 10થી વધુ લોકોનું રેસ્ક્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં આજે સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આખા બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા ઉપરના માળે રહેતા રહીશો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ધુમાડામાં ફસાયેલા બાળકો અને વૃદ્ધો સહિત 10થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળી હતી.જીવરાજ પાર્ક સ્થિત નંદન હિલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં. 201 માં રહેતા પરિવારના મકાનમાં સવારના સમયે રસોઈ કામ ચાલતું હતું ત્યારે અચાનક ચિમનીમાં આગ લાગી હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટીવી, ફ્રીજ, સોફા અને ફર્નિચર સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.ફાયર વિભાગના જયપાલસિંહે જણાવ્યું હતું કે, આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો અને હીટનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે ઉપરના માળે રહેતા રહીશોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. નાનામૌવા ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ઉપરના ફ્લોર પર ફસાયેલા આશરે 10થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોમાં ૨ વર્ષના બાળકથી લઈને 80વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે.ફાયર વિભાગે બે ગાડીઓની મદદથી સતત 30થી 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

