ઘટના@રાજકોટ: જિયાણા ગામમાં મંદિરમાં આગ ચાંપી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ, ગ્રામજનોમાં રોષ

 
ધાર્મિક

આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ નજીકના જીયાણા ગામે ગઈકાલે રાત્રે બે મંદિરની અંદર અને એક મંદિરની બહાર આગ લગાડાયાની ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. એરપોર્ટ પોલીસે તત્કાળ તપાસ કરી ગામમાં જ રહેતા એક શકમંદની પૂછપરછ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે એક ટીખળખોરને સકંજામાં લઇ લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ જીયાણા ગામમાં બંગલાવાળી મેલડી માતાનું મંદિર છે. જયાં 12 તારીખની રાત્રે 9 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તાવા પ્રસાદનો કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંદિરની અંદર લાકડા સળગાવી આગ લગાડવામાં આવી હતી.

એટલું જ નહીં ગામનાં પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર પણ ટાયર મુકી આગ લગાડવામાં આવતાં મુર્તિ નષ્ટ પામી હતી. આટલેથી નહીં અટકતા ગામમાં જ આવેલા વાસંગી દાદાના મંદિરની બહાર જૂના કપડાં સળગાવવામાં આવ્યા હતા. મંદિરને તાળુ મારેલું હોવાથી મંદિરની બહાર કપડાં સળગાવાતાં મંદિરની અંદર કોઈ નુકસાની થઈ ન હતી. ગામમાં જ તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સવજીભાઈ મેઘાણીને સવારે જાણ થતાં ત્રણેય મંદિર ખાતે દોડી ગયા બાદ એરપોર્ટ પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

તપાસના અંતે પોલીસે કાનજીભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ડીસીપી સજ્જનસિંહ પરમારે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તત્કાળ પોલીસની ટીમોને કામે લગાડી દીધી હતી. સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ કરતાં ગામમાં જ રહેતા એક ટીખળખોરે આ કૃત્ય કર્યાની શંકાના આધારે તેની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.