ઘટના@રાજકોટ: દેવામાં ડૂબેલા એક જ પરિવારના 8 સભ્યોના સામૂહિક આપઘાતના પ્રયાસથી મચી ચકચાર

 
ચક્ચર
પરિવાર સાથે પોણા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બેન્ક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. હાલમાં આ લોકોની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. હાલ, પરિવારના 8 સભ્યો હોસ્પિટલમાં દાખલ છે. એક વ્યક્તિને ઝેરની ઓછી અસર થવાના કારણે રજા આપી દેવામાં આવી છે. સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ પરિવારને વેપારમાં નુકસાન થયું હતું. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. તેઓ આ કારણે આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે તેઓ હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતા જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું કેમ કે મુંબઈની પેઢીએ કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું જ નહોતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી પરંતુ તેમાંથી એક બચી જવાને કારણે તેણે અન્યોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટના વિશે જાણકારી આપતાં પરિવારના એક સભ્ય કેતન ઓડેસરાએ કહ્યું કે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં અમારા સોની પરિવારના સભ્યોને બેન્ક લોન દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતા આ લોકોએ જીવન ટૂંકાવી દેવા માટે આ પગલું ભર્યું હતું. માહિતી અનુસાર સોની પરિવાર સાથે પોણા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી. આપઘાતનો પ્રયાસ કરનારાઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.