બનાવ@રાજકોટ: ચૌધરી પરિવારના ભાવિ તબીબે મેડિકલ હોસ્ટેલમાં આપઘાત કર્યો
બનાવ@રાજકોટ: ચૌધરી પરિવારના ભાવિ તબીબે મેડિકલ હોસ્ટેલમાં આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરની પીડીયુ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ ત્યારબાદ મૃતદેહને નીચે ઉતારી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

મૂળ પાટણના રાધનપુરનો વતની અને હાલ રાજકોટ શહેરમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા અમૃત ચૌધરી નામના યુવાને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પીડીયુ હોસ્ટેલના આઠમા માળે રૂમ નંબર 818 માં રહેતા અમૃત મેઘરાજ ભાઈ ચૌધરી નામના યુવાને પોતાનાં રૂમમાં આપઘાત કરી લીધો છે.
છેલ્લા બે દિવસથી અમૃત ચૌધરી દેખાતો ન હોય તેમજ તેનો રૂમ પણ બંધ હોય ત્યારે આજરોજ રૂમ માંથી દુર્ગંધ આવતા સાથી તબીબોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે રૂમનો દરવાજો તોડીને જોતા ઇન્ટર્ન તબીબ અમૃત ચૌધરીનો પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, ઇન્ટરનેટ તબીબે દોઢ દિવસ અગાઉ ગળાફાંસો ખાઇ લીધા હોવાનું જણાઈ આવ્યું છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસમાં મૃતક અમૃત ચૌધરી વર્ષ 2014થી રાજકોટ શહેરમાં એમબીબીએસના અભ્યાસ કરતો હતો. અગાઉ તે એક-બે પરીક્ષામાં નાપાસ થતાં ગુમસુમ પણ રહેતો હતો જેના કારણે પણ તેણે આ પ્રકારનું પગલું ભરી લીધા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અગાઉ થોડાક મહિના પહેલા આ જ પ્રકારે મેડિકલ હોસ્ટેલમાં એક યુવતીએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં અમૃત ચૌધરીના આપઘાત મામલે કોઇ નવો ફણગો ફૂટે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. હાલ તો ચૌધરી પરિવારમાં લાડકવાયાને ગુમાવવાના કારણે શોકનો માહોલ છવાઇ ગયો છે.