ઘટના@રાજકોટ: જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણનાં મોત! વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી

 
ઘટના
ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જેતપુર નજીક સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહણનાં મોત નીપજ્યાં છે. ઘટનાને પગલે વન વિભાગ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. એકસાથે બે સિંહણનાં મોતથી વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.અમરેલી બાદ હવે રાજકોટના જેતપુર નજીકથી વન્યજીવોના મોતની દુઃખદ ઘટના સામે આવી છે.જેતપુરના સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે રેલવે ટ્રેક પર ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. એકસાથે બે સિંહણનાં મોતની ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી છે.

ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જેતપુર વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યારે જૂનાગઢ વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર જવા રવાના થયા હતા.બે સિંહણનાં મોતના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. વન વિભાગ દ્વારા બંને સિંહણના મૃતદેહ કબજે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સિંહણો કોઈ અન્ય વન્યજીવોના ગ્રુપ સાથે હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જેતપુરના સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે પસાર થઈ રહેલી ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે બે સિંહણ આવી ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી ગંભીર હતી કે બંને સિંહણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ આસપાસના વિસ્તારમાં ફેલાતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. રાજકોટ અને અમરેલી વનવિભાગની સંયુક્ત ટીમો હાલ ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ કરી રહીછે.