ઘટના@રાજકોટ: ઉપલેટાના તણસવા ગામ નજીક ફૂડ પોઈઝનીંગથી ચાર બાળકોના મોતથી ખળભળાટ

 
ઉપલેટા

મૃતક બાળકોમાં એક બાળક અને ચાર બાળકીનો સમાવેશ થાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં તણસવા ગામ નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ચાર બાળકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગણોદ અને તણસવા નજીક આવેલ આઠથી દસ કારખાનાઓ પ્લાસ્ટીક ઉદ્યોગ આવેલ છે.

બે અલગ અલગ પ્લાસ્ટીકના કારખાનાઓમાં પરપ્રાંતીય શ્રમિકોના કુલ ચાર બાળકોના મોત થયા હોવાનું પ્લાસ્ટીક કારખાનાઓ માલિકોએ જણાવ્યું છે. તણસવા ગામ નજીક આવે બે પ્લાસ્ટીક કારખાનાઓમાં નાના બાળકોને ફૂડ પોઈઝનીંગ થતાં ઝાડા-ઉલ્ટી થયા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યાં હતા.

સારવાર દરમિયાન ચાર બાળકોના મોત થયા છે. મૃતક બાળકોમાં એક બાળક અને ચાર બાળકીનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 2થી 7 વર્ષની હતી. આ બાળકો મધ્યપ્રદેશથી આવેલા પરપ્રાંતિય શ્રમિકોના સંતાનો છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.