ઘટના@સાબરકાંઠા: સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા 2 યુવાનોના ડૂબી જવાથી મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સપ્તેશ્વર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા મહેસાણાના બે આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા.ધાર્મિક પ્રસંગે બનેલી આ ઘટનાને પગલે મૃતક યુવાનોના પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. દશામા વ્રતના વિસર્જન નિમિત્તે મહેસાણાથી ચાર યુવકોનો સંઘ સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા આવ્યો હતો. શ્રદ્ધાપૂર્વક મૂર્તિ વિસર્જિત કર્યા બાદ ચારેય યુવકો નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન પાણીના ઊંડાણ અને પ્રવાહનો યોગ્ય અંદાજ ન રહેતાં બે યુવાનો નદીના ઊંડા પાણીમાં ખેંચાઈને ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ નદી કિનારે હાજર સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્વરિત જાણ કરવામાં આવતાં ઈડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર ફાઇટરની ટીમો બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ સાબરમતી નદીના ઊંડા પાણીમાં કલાકો સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહમત બાદ બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. મૃતક યુવાનોની ઓળખ 18 વર્ષીય નવદીપ રાવત અને 18 વર્ષીય રાજવીર ઠાકોર તરીકે થઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જાદર પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક સપ્તેશ્વર નદી કિનારે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના મૃતદેહોનો કબ્જો મેળવી પંચનામું કરી આગળની કાર્યવાહી અર્થે પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યા છે.

