બનાવ@સાબરકાંઠા: વડાલી તાલુકામાં ઓનલાઇન પાર્સલમાં થયો મોટો બ્લાસ્ટ, એક જ પરિવારમાં 2ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દીનાક બનાવ સામે આવ્યો છે. વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે અને માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે બ્લાસ્ટની જાણ થતા વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રામદેવપીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવાર ના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું. આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો. બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું, તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી. જોકે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર બનાવની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.