ઘટના@સાણંદ: કાર કેનાલમાં ખાબકતા 3ના મોત, બે ઇજાગ્રસ્ત

 
ઘટના

ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાણંદ નજીક કાર કેનાલમાં ખાબકતા 3 જણાના મોત નીપજ્યા છે. માર્ચ મહિનામાં અમદાવાદ અને કલોલમાં કેનાલમાં કાર ખાબકવાના અગાઉ બે બનાવમાં ચાર લોકોના મોત થયા હતા. ત્યારે હવે ત્રીજો બનાવ સાણંદ નજીકના વિરોચનનગરમાં બન્યો છે. જ્યાં ગાંધીનગરનો રબારી પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે તેમની ક્રેટા કાર રાતના અંધારામાં કેનાલમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાં ગત રોજ રાત્રે અકસ્માતના અન્ય બે બનાવ બન્યા હતા. જેમાં ધંધુકા-રાયકા માર્ગ પર બ્રેઝા અને અલ્ટો કાર સામસામે ટકરાતાં મહારાષ્ટ્રના બે લોકોના જીવ ગયા હતા.

ગતરોજ ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું હોવાથી ગાંધીનગરના ઝુંડાલનો રબારી પરિવાર સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરવા ગયો હતો.દરમિયાન દર્શન કરીને પરત ફરી રહેલા આ દર્શનાર્થીઓની ક્રેટા કાર અકસ્માતનો ભોગ બની હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જો કે, તેઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેથી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માત અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.