ઘટના@સાણંદ: દારૂના જથ્થાથી ખીચોખીચ ભરેલી આઈસર પલટી, બોટલો લૂંટવા માટે લોકોમાં અફરાતફરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે દારૂબંધીના લીરેલીરા ઉડાવતી એક ઘટના અમદાવાદ નજીક સાણંદમાં સામે આવી છે. સાણંદના મુનિઆશ્રમ વિસ્તાર પાસે દારૂના જથ્થાથી ખીચોખીચ ભરેલી એક આઈસર ટ્રક અચાનક પલટી મારી જતાં રસ્તા પર દારૂની રેલમછેલ થઈ હતી. આ અકસ્માત બાદ પોલીસ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોમાં દારૂની બોટલો લૂંટવા માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગામી તહેવારો અને 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને બુટલેગરો દ્વારા મોટા પાયે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે.
સાણંદના મુનિઆશ્રમ રોડ પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી મારતા જ તેમાંથી દારૂની પેટીઓ અને હજારો બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોની માનવતા દાખવવાને બદલે દારૂની બોટલો મેળવવા માટે પડાપડી જોવા મળી હતી. જેમના હાથમાં જેટલી બોટલો આવી તેટલી લઈને લોકો ભાગતા નજરે પડ્યા હતા.
આ દ્રશ્યોને કારણે થોડીવાર માટે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આઈસર ટ્રકમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો હતો. અકસ્માત બાદ તકનો લાભ લઈને ટ્રકનો ચાલક અને ક્લીનર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલમાં આઈસર ટ્રક અને બાકી વધેલો દારૂનો જથ્થો જપ્ત કરીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો, તે તપાસ હાથ ધરવામાં આવી છે.

