ઘટના@સાણંદ: લોદરિયા ગામમાં ઘરમાંથી ભેદી સંજોગોમાં 3 મૃતદેહો મળી આવતા ચકચાર

 
ઘટના
ત્રણેય જણાએ સામુહિક આપઘાત કર્યો હોવાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાણંદ તાલુકાના લોદરિયા ગામના એક ઘરમાંથી ભેદી સંજોગોમાં ત્રણ મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ત્રણેય જણાએ સામુહિક આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી હતી. જો કે તપાસના અંતે પ્રેમીએ પ્રેમિકા અને તેની પુત્રીની હત્યા કર્યાં બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.સાણંદ તાલુકાના લોદરિયા ગામની હદમાં આવેલ ખોડલ હોટલ નજીકના એક ઘરમાં ત્રણ મૃતદેહો પડ્યા હોવાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ નાયબ મામલતદાર અને ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ દરી હતી.

પ્રાથમિક દ્રષ્ટિએ ત્રણેય જણાએ સામુહિક આપઘાત કર્યો હોવાનું જણાઈ આવે છે. મૃતકના ગળા પર છરીના ઘાના નિશાન જોવા મળતા હત્યા બાદ આત્મહત્યાની શંકા વ્યક્ત કરાઈ હતી.આ દરમિયાન પોલીસની ટીમને મૃતકના ખિસ્સામાંથી 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે મૃતકની ઓળખ રણછોડ પરમાર તરીકે છે. જેણે પોતાની પરિણીત પ્રેમિકા અને તેની દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. જ્યારે FSLની ટીમ દ્વારા ઘટના સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ સ્યુસાઈડ નોટના આધારે આ સમગ્ર મામલે આગળની તપાસ કરી રહી છે.