ઘટના@સુરત: 17 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારના હોસ્ટેલ સામે ગંભીર આક્ષેપ

 
ઘટના
પરિવારે હોસ્ટેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓનલાઇન ગેમનાં કારણે વધુ એક વિદ્યાર્થીનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. સુરતનાં મહુવામાં બોઈઝ હોસ્ટેલમાં રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે.મૃતક યુવક ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક યુવકનાં પરિવારે હોસ્ટેલ પર ગંભીર આક્ષેપ કર્યો છે. હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી હોવાથી આ બનાવ બન્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

આ મામલે મહુવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતનાં મહુવા વિસ્તારમાં આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીની બોઈઝ હોસ્ટેલમાં ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે 17 વર્ષીય અજય નામનાં વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. આ મામલે હોસ્ટેલ તંત્ર દ્વારા મૃતક યુવકનાં પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારે હોસ્ટેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારનાં આરોપો મુજબ, હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી હોવાથી આ બનાવ બન્યો છે.

પરિવારે કહ્યું કે, હોસ્ટેલમાં વોર્ડ કર્મચારીઓએ મોબાઈલ પર પ્રતિબંધ કેમ ન મુક્યો? બીજી તરફ, યુવકે મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં પૈસા હારી જવાનાં કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, આ ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે મોકલ્યો હતો. પોલીસે મૃતકના પરિવાર, હોસ્ટેલનાં તંત્ર અને સ્ટાફ અને ત્યાં રહેતા અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.