ઘટના@સુરત: બેફામ સ્પીડે આવી રહેલી કારે 5 વર્ષની માસૂમ બાળકીને કચડી, ચાલક ફરાર
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી આઘાતજનક ઘટના સામે આવી છે. ચાલકે ઘર આંગણે રમી રહેલી માત્ર 5 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લઈને કચડી નાખી છે. આ ભયાનક અકસ્માતમાં માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
5 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની બહાર શાંતિથી રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં જ રહેતા નીતિન મિશ્રા નામના કાર ચાલકે પોતાની કાર ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી બાળકી પર ચડાવી દીધી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે માસૂમ બાળકીનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ સોસાયટીનો જ આરોપી કાર ચાલક નીતિન મિશ્રા માનવતા ભૂલીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ડિંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને પરિવારની ફરિયાદના આધારે ફરાર નીતિન મિશ્રા વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સોસાયટીની અંદર જ આ પ્રકારે બેફામ સ્પીડે વાહન ચલાવી માસૂમનો જીવ લેનારા નરાધમ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

