ઘટના@સુરત: ધોરણ 7માં ભણતી કિશોરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતી માત્ર 12 વર્ષની કિશોરીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હસતી-રમતી દીકરીના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. 12 વર્ષની કુમળી વયે દીકરીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું, તે પ્રશ્ન હાલ પરિવાર અને પોલીસ માટે એક વણઉકેલાયેલો કોયડો બની ગયો છે. આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.પોતાની વહાલી દીકરી ગુમાવનારી માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ ભયાનક આઘાત વચ્ચે પણ મૃતકની માતાએ અન્ય વાલીઓ માટે એક ખૂબ જ મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે ભીની આંખે જણાવ્યું કે, બાળકો સાથે હંમેશા મિત્રતાભર્યું વર્તન રાખો. તેમની સાથે એટલા નજીક રહો કે, તેમના મનમાં ચાલતી મૂંઝવણ કે ડર તે તમને જણાવતા અચકાય નહીં.ઘટનાની જાણ થતા જ પાલ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કિશોરીના મિત્રો, શાળાના શિક્ષકો અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવશે, જેથી આ આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.

