ઘટના@સુરત: UPSCમાં 1 માર્કથી નાપાસ થતાં 7માં માળેથી કુદીને યુવકે કર્યો આપઘાત, જાણો વિગતે

 
આપઘાત

વધારે ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાંથી હચમચાવતો આપઘાતનો બનાવ બન્યો છે. સાતમાં માળેથી યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોતાના ઘરેથી નીકળીને લો રાઈઝ એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી યુવક કુદી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. હાલ સમગ્ર આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ ઉત્તરપ્રદેશના જૌનપુરના હરદ્વારી ગામનો શિવમ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સુરતમાં કૈલાસ નગર સચિન ખાતે એકાદ મહિનાથી રહેતો હતો. તે યુપીએસસીની પરીક્ષામાં એક માર્કથી નાપાસ થયો હોવાથી છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતાં. ગતરોજ વધારે ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો.

બાદમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલી નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડીંગ નં.બી-1ના સાતમા માળની ગેલેરીના ભાગેથી કુદી ગયો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શુભમના મોતથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ કહ્યું કે, તે ખૂબ ભણ્યો હતો. તેને આઈપીએસ બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણા સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી.