ઘટના@સુરત: દાંડી રોડ પર કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, બે યુવકોના કરુણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત-દાંડી રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારચાલકે કાબુ ગુમાવતા તેમની કાર કાસમાં ખાબકી. કાસના પાણીમાં ડૂબવાથી બે યુવકોના કરુણ મોત નિપજયા. અકસ્માતની ઘટનાની ઓલપાડ પોલીસને જાણ થતા જ બનાવસ્થળ પર પહોંચી ગઈ. કાસમાંથી બંને યુવકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. ઓલપાડ પોલીસે અકસ્માતને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી. યુવકોના મોતના સમાચારથી પરીવારમાં શોકનો માહોલ છવાયો.
સુરત -દાંડી રોડ પર ગતરાત્રિએ અકસ્માતની ઘટના બનવા પામી. પાલ કોટનના ગોડાઉનની બાજુનો આ બનાવ છે. જયાં દાંડી રોડ પરથી એક કાર પૂરપાટ વેગે પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર દાંડી રોડ પર બાજુના કાસમાં ખાબકી. રાત્રિનો સમય અને કાસમાં ભરાયેલ ભારે પાણીમાંથી બહાર નીકળવા યુવકોએ પ્રયાસ કર્યો હતો તેવું સ્થાનિકોએ પોલીસને જણાવ્યું.
વધુમાં પોલીસને માહિતી આપતા કહ્યું કે કાસની વચ્ચોવચ્ચ કાર ફસાઈ ગઈ હતી અને યુવકો તેમાંથી બહાર નીકળવા ભારે મહેનત કરી. છતાં યુવકો કાસના પાણીમાંથી બહાર નીકળી શકયા નહી. બન્ને યુવકોના કાસના પાણીમાં ડૂબવાથી મોત નિપજયા. સ્થાનિકો દ્વારા અકસ્માતની પોલીસને જાણ કરાતા જ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ બન્ને યુવકના મૃતદેહ કાસના પાણીમાંથી બહાર કાઢ્યા. બાદમાં કાસમાં ફસાયેલ કારને પણ ભારે જહેમત બાદ કાઢવામાં આવી. પોલીસે એમ્બ્યુલન્સ મારફતે બંને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.