ઘટના@સુરત: શાળાના ધાબા પર વીજ કરંટ લાગતા ધોરણ 9ના વિદ્યાર્થીનું મોત, કેમ્પસમાં ભારે અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16ના ધાબા પર મૂકવામાં આવેલા લાઇટના લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગવાના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતાં માસૂમ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે અરેરાટી સાથે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પીટીના લેક્ચર માટે શાળાના ધાબા પર ગયા હતા. આ દરમિયાન અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થી ધાબા પર આવેલા લાઇટના લોખંડના થાંભલા પાસે પહોંચ્યો હતો. થાંભલામાં કરંટ આવતો હોવાથી અબ્દુલ રહેમાન તેને અડી જતાં જ તેને વીજ આંચકો લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં જ વિદ્યાર્થી સ્થળ પર જ ઢળી પડ્યો હતો.
બનાવ અંગે તાત્કાલિક જાણ થતાં તેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. સરકારી શાળાના કેમ્પસમાં જ લાઇટના લોખંડના થાંભલામાં વાયરિંગની ખામી કે ખુલ્લા વાયરને કારણે કરંટ આવી રહ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ પ્રકારની સુરક્ષા ક્ષતિ સામે શાળા તંત્રના લાપરવાહ વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે.

