ઘટના@સુરત: ગેસલાઇનમાં લીકેજ થતાં પાંચ દુકાનો સહિત લાખોનો સામાન બળીને ખાખ, 4 લોકો દાઝ્યા
![ઘટના](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/6f0e026ea6fb535f02cb09523e81352d.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના ગોડાદરામાં ગેસલાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે. ચાર લોકો આગની ચપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝ્યા છે અને 5 જેટલી દુકાનો અને લાખોનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો છે. અચાનક ફ્લેશ ફાયર થતાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર મેળવી લેતાં સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગની ઘટનામાં 5 દુકાનો અને લાખોનો માલ સામાન બળી જતાં વેપારીઓએ વળતરની માંગ સાથે રસ્તો પર ઉતરી આવ્યા હતા. સુરતના ગોડાદર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ વાયરીંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતાં ફ્લેશ ફાયર હતું. જેમાં 4 લોકો આગની જ્વાળાની ચપેટમાં આવી જતાં દાઝી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગે ધીમે ધીમે પાંચ જેટલી દુકાનોને ચપેટમાં લેતાં બે મોબાઇલ સહિત 5 દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હોવાના બનાવનો કોલ આવતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે ગોડી આવી હતી. ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન નાસભાગ મચી ગઇ હતી. ઉપરની તરફ રહેતા રહીશો નીચે દોડી આવ્યા હતા આ દરમિયાન એક જ પરિવારના ચાર સભ્યોને ઇજા પહોંચી હતી. આગ જ્વાળાઓથી ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર ખાટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.