ઘટના@સુરત: ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, જાણો સમગ્ર મામલો

 
ઘટના

એક કાર્યકરે ખજાનચીને લાફો માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. આજે બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલયમાં આવ્યા હતા. ત્યારે ચા-નાસ્તા મુદ્દે પટાવાળા જોડે બબાલ થઈ હતી. ત્યારબાદ પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ખજાનરી શૈલેષ અને દિનેશ સાવલિયા વચ્ચે વિવાદ શરૂ થયો હતો.ત્યારબાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને ફડાકો મારી દીધો હતો.

ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ પટેલે કહ્યુ કે ઘટના વિશે મને વધુ જાણકારી નથી. જો શિસ્તભંગ થઈ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.મળતી માહિતી પ્રમાણે ભાજપ કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં ફડાકો માર્યો હતો. આ ઘટના બાદ કાર્યાલયમાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટના ભાજપ કાર્યાલયમાં બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી.

શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યુ કે, હું ખજાનચી છું અને મારે બધુ જોવાનું છે, તારે અહીં વધારે આંટાફેરા કરવા નહીં.બંને વચ્ચે આ વાતચીત ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ પણ જોઈ રહ્યા હતા. ત્યારબાદ શૈલેષે અચાનક દિનેશને ધક્કો માર્યો હતો. ત્યારબાદ દિનેશે લાફાવાળી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કાર્યકરો વચ્ચેના વિવાદનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.