ઘટના@સુરત: ખાનગી શાળામાં ક્લાસરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં ખાનગી શાળામાં એ.સી.માં બ્લાસ્ટ થયો હોવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. વહેલી સવારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના બની હતી. જેના લીધે અફરા-તફરી મચી ગઈ હતી. વાલીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટના વખતે સ્કૂલમાં લગભગ 800 જેટલાં વિદ્યાર્થીઓ હાજર હતા. આ ઘટના એસીમાં બ્લાસ્ટ થવાને કારણે બની હતી.ઘટના બાદ સ્કૂલના વહીવટીતંત્રએ ત્વરિત સજાગતા દાખવતાં બાળકોને રજા આપી દીધી હતી અને ઘરે રવાના કરી દીધા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ હોવાની માહિતી હજુ સુધી મળી નથી.
ફાયરબ્રિગેડ દ્વારા આગને પણ કાબૂમાં લઈ લેવામાં આવી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા પહોંચી નથી, તમામ બાળકો સહી સલામત છે. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટનાની કોલ મળતાં જ અમારી ટીમ સ્કૂલે પહોંચી ગઇ હતી. સ્કૂલની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરતાં ધડાકા સાથે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સ્કૂલમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.