ઘટના@સુરત: અડાજણમાં TVS-EV શૉ રૂમમાં વિકરાળ આગ, 15થી વધુ વાહનો બળીને રાખ

 
આગ
10થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલા ટીવીએસ ઈવીના શો-રૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની જ્વાળાઓ બાજુમાં આવેલા  એપોલો ફાર્મસી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે બહાર પાર્ક કરેલા આશરે 15થી વધુ વાહનો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે. અડાજણ ચાર રસ્તા નજીક આવેલા એક ટીવીએસ ઇલેક્ટ્રિક વ્હીકલના શો-રૂમમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી.

વાહનોની બેટરીઓ અને જ્વલનશીલ સ્પેરપાર્ટ્સના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે શો-રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ આકાશી ધુમાડા અને વિકરાળ જ્વાળાઓ પાડોશમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ એક જાણીતી હોટેલ સુધી પહોંચી જતા ત્યાં પણ ભારે નુકસાન થયું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી હતી.

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા સહિતના 5 સ્ટેશનોની 10થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, ફાયર ફાઈટરોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ તેના પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો.