ઘટના@સુરત: માતાએ માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી, બંનેના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના અલથાણ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતાનું હોસ્પિટલમાં મોત થયું છે.અલથાણ વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
મહિલાએ પોતાના પુત્ર સાથે 14મા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાવાને કારણે થયેલા પ્રચંડ અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે માસૂમ પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બાળક અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

