ઘટના@સુરત: સિવિલ હોસ્પિટલમાં ઝાડ પર લટકેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગની સામેના વિસ્તારમાં એક આપઘાતની ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી યુવતીએ ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો છે. કોવિડ બિલ્ડીંગની સામે ઝાડ પર લટકીને યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
પૂજા કુશવાહ નામની 26 વર્ષીય યુવતી ડિલિવરી માટે 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી.બાળકને જન્મ આપ્યા બાદ યુવતી શુક્રવારે અચાનક હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઇ હતી. યુવતી ગુમ થઇ જતાં પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પૂજા કુશવાહે જે બાળકને જન્મ આપ્યો હતો તે બીમાર હોવાથી વેન્ટિલેટર પર છે.